છોટાઉદેપુર: આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં AI તાલીમની અનોખી શરૂઆત
*આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમનો નવતર પહેલ કરતા – પ્રાયોજના વહીવટદારશ્રી*—————*”આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે, AIની આ તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.”- શ્રી કલ્પેશકુમાર શર્મા*—- *(આલેખન:- માર્ગી રાજપુત, સહાયક માહિતી નિયામક)*—– ૧૯૫૦ના દાયકામાં જ્યારે વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શબ્દથી પણ અજાણ હતું, ત્યારે એલન ટ્યુરિંગે ‘ટ્યુરિંગ ટેસ્ટ’ દ્વારા આ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ ૧૯૫૬માં ડાર્ટમાઉથ કોન્ફરન્સમાં પ્રથમ વખત ‘AI’ શબ્દનો પ્રયોગ થયો. આજે દાયકાઓ પછી, એ જ ટેકનોલોજી મશીનોને માનવીની જેમ વિચારવાની, સમજવાની અને શીખવાની શક્તિ આપી રહી છે. જેમ મનુષ્ય અનુભવોથી શીખે છે, તેમ AI ડેટાના માધ્યમથી કાર્યક્ષમ નિર્ણયો લે છે.આધુનિક યુગના આ અનિવાર્ય પરિવર્તનને પારખીને, છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ આ વૈશ્વિક પ્રવાહથી વંચિત ન રહી જાય તે માટે પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા દ્વારા એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં AIનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓના બાળકો પણ આ ક્ષેત્રમાં અગ્રેસર બને તેવો ઉમદા હેતુ આ પ્રોજેક્ટ પાછળ રહેલો છે. શ્રી કલ્પેશકુમારે આ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરી, ‘નવગુરુકુળ ફાઉન્ડેશન’ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ‘ફાઉન્ડેશન કોર્સ ઓન AI’નું વિનામૂલ્યે આયોજન કર્યું છે.આ તાલીમ અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ ૨૯ શાળાઓને સાંકળી લેવામાં આવી છે, જેમાં ૧૩ ગર્લ્સ રેસિડેન્શિયલ શાળા,૦૪ મોર્ડન ડે શાળા, ૦૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા (EMRS)૦૫ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે ૯૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે વિશેષ ટાઈમ-ટેબલ તૈયાર કરી, તેઓને આધુનિક યુગના અત્યાધુનિક ChatGPT, Gemini અને Copilot વિશે ૧૦ થી ૧૨ કલાકની સઘન તાલીમ આપવામાં આવી છે. તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદે આ પહેલની સફળતા સાબિત કરી છે.પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા જણાવે છે કે “આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે, AIની આ તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.”આ માત્ર એક ટેકનિકલ તાલીમ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ (Self-Confidence) અને વ્યક્તિત્વ વિકાસ (Personality Growth) માટેનું એક સશક્ત માધ્યમ બની છે. આદિવાસી વિસ્તારોના બાળકો જ્યારે વિશ્વના લેટેસ્ટ ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરતા શીખે છે, ત્યારે તેઓ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે સક્ષમ બને છે

